ગુજરાતના પોરબંદર જિલ્લામાં પોરબંદરથી અગ્નિ દિશામાં ‘માધવપુર’ પૌરાણિક સ્થાન છે. માધવપુર ગામમાં મૂળ માધવરાયનું પુરાણું મંદિર છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રૂપાળીબાયે હવેલી સ્વરૂપે દરિયા કિનારે નવું મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં માધવરાય (શ્રી કૃષ્ણ) અને ત્રિકમરાય (બળરામ) બંધુ બેલડીની માનવ કદની મૂર્તિઓ પધરાવેલ છે. સમગ્ર ભારતમાં આવી બેવડી મૂર્તિ કયાંય જોવા મળતી નથી.
માધવપુરમાં ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ-કીર્તનનો પાંચદિવસનો મેળો ભરાય છે. જે તેરસના દિવસે પૂર્ણ થાય છે. “માધવપુરનો માંડવોને જાદવકુળની જાન” કહેવત પ્રચલિત બની છે.
લગભગ તેરમી સદીની આસપાસ મેળાની શરૂઆત થયેલી છે. સૌરાષ્ટ્રના ‘ઘેડ’ પ્રદેશમાં ભરાતા આ મેળાની કથા શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નપ્રસંગ સાથે સંકળાયેલ છે.
રાજકુમારી રૂક્ષ્મણીનું ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીએ ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા. અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. તેની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું નીકળે છે. ફુલેકાની ઉજવણી ત્રણેત્રણ દિવસ ચાલે છે. ત્યારબાદ જાન આગમન, સામૈયાં, લગ્નવિધિ, કન્યાવિદાયનો પ્રસંગ યોજાય છે.
શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્ન જયાં થયા એ સ્થળ ‘રૂક્ષ્મણીમઠ’ તરીકે ઓળખાય છે. રૂક્ષ્મણીજી અરૂણાચલ પ્રદેશના ભીષ્મકનગરના રાજા ભીષ્મકની પુત્રી હોવાવાનું કહેવાય છે. મેળામાં રબારી, મેર, આહિર અને કોળીઓ અલગ ભાત પાડતાં ‘અસલ સોરઠી મેળો’ માણવા મળે છે.
વર્ષ ૨૦૧૮માં યોજાયેલ મેળામાં રૂક્ષ્મણીજીના પરિવારના પ્રતિનિધિ તરીકે પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, મણિપુર વગેરે રાજયના ૧૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
લેખક – રાઘવ વઢિયારી
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team